Wednesday, October 12, 2011

ઉધ્ધવગીતા – ભગવાન શ્રી કૃષ્ણ


[ ભગવાન શ્રી વેદ વ્યાસજી રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ના એકાદશ સ્કંધના કેટલાક અધ્યાયો ‘શ્રી
ઉધ્ધવગીતા’ તરીકે ઓળખાય છે. આ પ્રકરણોમાં ભગવાને શ્રી ઉધ્ધવજીને ભાગવતધર્મનો ઉપદેશ કર્યો છે. એમાં 14મો અધ્યાય ભકિતયોગ છે, જેમાં ભગવાને ભક્તના લક્ષણોનું સુંદર વર્ણન કર્યું છે. આ ભકિતયોગ પ્રકરણના કેટલાક શ્લોકો અનુવાદ કરીને અહીં આપ્યા છે. ]



શ્રી ઉધ્ધવજી એ પૂછયું : “શ્રી કૃષ્ણ ! બ્રહ્મવાદી મહાત્માઓ આત્મકલ્યાણ ના અનેક સાધનો બતાવે છે. એ બધા સાધનો પોત-પોતાની રીતે શ્રેષ્ઠ છે કે કોઈ એકની પ્રધાનતા છે ? આપે હમણાં ભકિતયોગને નિરપેક્ષ અને સ્વતંત્ર સાધન બતાવ્યો છે કારણકે એનાથી આસકિત છોડીને મન આપનામાં જ સ્થિર થઈ જાય છે.”
ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યાં : “પ્રિય ઉધ્ધવ ! આ વેદવાણી છે જે સમયના બદલાવને કારણે ઘણા સમયથી લુપ્ત થઈ ગઈ હતી. પછી જ્યારે સૃષ્ટિની રચનાનો સમય આવ્યો ત્યારે તે મેં બ્રહ્માજીને કહી. આ વેદવાણીમાં મારા ભાગવતધર્મોનું વર્ણન છે. બ્રહ્માથી આ વેદવાણી ઋષિઓ, પ્રજાપતિઓ, બ્રહ્મઋષિઓ અને અંતે દેવો અને મનુષ્યો સુધી તે પહોંચી. જે હું આજે તને કહું છું.
બધા જ પ્રકારના લોકોનો સ્વભાવ તેમની સત્વ, રજ અને તમોગુણની ઈચ્છા પ્રમાણે ભિન્ન છે. આ ગુણોને લીધે જ લોકોના વિચારો જુદા-જુદા હોય છે અને તેમની બુધ્ધિમાં વિવિધતા હોય છે. આ કારણને લીધે લોકો પોતપોતાની બુધ્ધિ પ્રમાણે આ સનાતન વેદવાણીનો જુદો-જુદો અર્થ કરતા હોય છે. અને આ વાણી જ એવી અલૌકિક છે કે તેના જુદા-જુદા અર્થો નીકળવા સ્વાભાવિક છે. કેટલાક લોકો વળી તેનો ખોટો અર્થ કરીને પાખંડનું આચરણ પણ કરતા હોય છે.


પ્રિય ઉધ્ધવ ! બધા જ પ્રકારની બુધ્ધિ મારી માયાથી મોહિત થઈ રહી છે. એના લીધે જ લોકોના પોતપોતાના કર્મ-સંસ્કાર અને પોત પોતાની રુચિ અનુસાર આત્મકલ્યાણના સાધનો એક નહીં પણ અનેક બતાવે છે. ભોગી ભોગની વાતો કરે છે, ત્યાગી ત્યાગની વાતો કરે છે, યોગવેત્તા પુરુષ સત્યની વાતો કરે છે, કર્મયોગી વળી યજ્ઞ-તપ-દાન અને વ્રતને જ શ્રેષ્ઠ ગણે છે. પરંતુ ઉધ્ધવ મારું કહેવું એ છે કે, આ બધા જ જુદા-જુદા પ્રકારના કર્મો છે. અને આ કર્મો કરવાથી જે જે લોકની (જેમ કે સ્વર્ગલોક આદિ ) પ્રાપ્તિ થાય છે તે બધા જ લોક ઉત્ત્પત્તિ અને નાશવાળા છે. કર્મોના ફળ સમાપ્ત થઈ જાય એટલે દુ:ખ જ દુ:ખ પ્રાપ્ત થાય છે. સાચું કહું તો આ બધા લોકની અંતિમ ગતિ ઘોર અજ્ઞાન છે. એ બધાથી જે સુખ મળે છે એ તો એકદમ તુચ્છ છે, નગણ્ય છે. એ લોકમાં ભોગો ભોગવતા જીવો પણ અસૂર્યા આદિ દોષોને કારણ શોકથી પરિપૂર્ણ છે.


પ્રિય ઉધ્ધવ ! જે વ્યકિત બધી જ બાજુથી નિરપેક્ષ, બેપરવાહ થઈ ગયા છે, જેને કોઈ પણ કર્મ તથા ફળ આદિની આવશ્યકતા નથી અને પોતાનું અંત:કરણ બધા જ પ્રકારથી મને સમર્પિત કરી દીધું છે, પરમાનંદસ્વરૂપ હું તેના આત્માના રૂપમાં સ્ફુરિત થવા માંડુ છું. આને લીધે નિષ્કામ વ્યકિત પોતાનામાં જે સુખ અને આનંદનો અનુભવ કરે છે તે વિષયી અને ભોગી લોકોને સ્વપ્નમાં પણ નથી દેખાતું. જે બધા જ પ્રકારના સંગ્રહ અને પરિગ્રહથી રહિત – અકિંચન છે, જે પોતાની ઈન્દ્રિયોને વશમાં કરીને શાંત અને સમદર્શી થઈ ગયા છે, જે મારી પ્રાપ્તિથી મારા સાન્નિધ્યનો અનુભવ કરીને સદા-સર્વદા પૂર્ણ સંતોષનો અનુભવ કરે છે, એની માટે તો આકાશનો એક-એક ખૂણો આનંદથી ભરેલો છે. જેણે પોતાને મને સમર્પિત કરી દીધો છે, તેને તો મને છોડીને બ્રહ્માનું કે દેવરાજ ઈન્દ્રનું પદ પણ નથી જોઈતું, ન તો એના મનમાં મોટા સમ્રાટ બનવાની ઈચ્છા છે, ન તો સ્વર્ગથી પણ શ્રેષ્ઠ રસાતાળના માલિક બનવાની ઈચ્છા છે, ન તો એને યોગની મોટી-મોટી સિધ્ધિઓ જોઈએ છે, ન તો એને મોક્ષ જોઈએ છે. ઉધ્ધવ ! મને તારા જેવા પ્રેમી ભક્તો જેટલા વહાલાં છે એટલા તો મારા પુત્ર બ્રહ્મા, આત્મા શંકર, સગા ભાઈ બલરામજી, સ્વયં લક્ષ્મીજી અને મને મારો પોતાનો આત્મા પણ એટલો વહાલો નથી. જેને કોઈ અપેક્ષા જ નથી, જે જગતના ચિંતનથી સર્વથા ઉપર થઈને મારા જ મનન-ચિંતનમાં તલ્લીન રહે છે, કોઈના તરફ રાગ-દ્વેષ ન રાખતાં બધા જ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે, એવા મહાત્માની પાછળ-પાછળ હું નિરંતર એ વિચારીને ફર્યા કરું છું કે એમના ચરણોની ધૂળ ઉડીને મારી ઉપર પડી જાય અને હું પવિત્ર થઈ જાઉં. જે બધા જ પ્રકારના સંગ્રહ અને પરિગ્રહથી રહિત છે – ત્યાં સુધી કે શરિર આદિમાં પણ અહંતા-મમતા નથી રાખતા, જેનું ચિત્ત મારા પ્રેમના રંગમાં રંગાઈ ગયું છે, જે સંસારની વાસનાઓથી શાંત અને ઉપરત થઈ ચૂક્યા છે અને જે પોતાની મહત્તા-ઉદારતાને કારણ સ્વભાવથી જ સમસ્ત પ્રાણિયો માટે દયા અને પ્રેમનો ભાવ રાખે છે, જેની બુધ્ધિને કોઈપણ પ્રકારની કામનાઓનો સ્પર્શ નથી થતો – એવા લોકોને મારા એવા પરમાનંદસ્વરૂપનો અનુભવ થાય છે કે જે સ્વરૂપને કોઈ નથી જાણતું, કારણકે પરમાનંદતો કેવળ નિરપેક્ષતાથી જ પ્રાપ્ત થાય છે.


ઉધ્ધવજી ! મારો જે ભક્ત હમણાં જિતેન્દ્રિય નથી થઈ શક્યો અને સંસારના વિષયો જેને વારે ઘડીએ પરેશાન કર્યા કરે છે એને પોતાની પાસે ખેંચ્યા કરે છે, એવો ભક્ત પણ ક્ષણ-ક્ષણમાં વધતી રહેતી મારી પ્રગલ્ભ ભકિતના પ્રભાવથી ધીમે-ધીમે વિષયોથી પરાજીત નથી થતો. ઉધ્ધવ ! જેમ આગ લાકડીઓના ઢગલાને બાળીને ભસ્મ કરી દે છે એવી જ રીતે મારી ભકિતથી સમસ્ત પાપના સમુહો પૂરેપૂરા બળી જાય છે. ઉધ્ધવ ! યોગ-સાધન, જ્ઞાન-વિજ્ઞાન, ધર્માનુષ્ઠાન, જપ-પાઠ અને તપ-ત્યાગ મને પ્રાપ્ત કરવામાં એટલા સમર્થ નથી, જેટલી મારી દિવસે-દિવસે વધતી જતી ભકિત. હું સંતોનો પ્રિયતમ આત્મા છું, હું અનન્ય શ્રધ્ધા અને અન્નય ભકિતથી પકડમાં આવું છું. મને પ્રાપ્ત કરવાનો આ એક જ ઉપાય છે. મારી અનન્ય ભકિત એ લોકોને પણ પવિત્ર કરી દે છે અને જાતિદોષથી મુકત કરી દે છે જે જન્મથી જ ચાંડાલ હોય. આનાથી ઊલટું, જે મારી ભકિતથી વંચિત છે, એમના ચિત્તને સત્ય અને દયાથી યુક્ત ધર્મ અને તપસ્યાથી યુકત વિદ્યા પણ પૂરેપૂરું પવિત્ર કરવામાં અસમર્થ છે. જ્યાં સુધી આખું શરિર પુલકિત ન થઈ જાય, ચિત્ત પીગળીને ગદ્ગદ્ ના થઈ જાય, આનંદથી આંખોમાં આંસુ છલકાઈ ના જાય, તથા અંતરંગ અને બહિરંગ ભકિતના પૂરમાં ચિત્ત પૂરેપૂરું ડૂબી ના જાય…. ત્યાં લગી ચિત્તની શુધ્ધ થવાની કોઈ સંભાવના નથી. જેની વાણી પ્રેમથી ગદ્ગદ્ થઈ રહી છે, ચિત્ત પીગળીને એક બાજુ વહેવા માંડે છે, જેને એક ક્ષણ માટે પણ રડવાનું નથી રોકાતું, પરંતુ કયારેક તે ખડખડાટ હસી પણ પડે છે, ક્યારેક લાજ છોડીને ઉચ્ચ સ્વરે ગાવા લાગે છે, તો કયારેક નૃત્ય કરવા લાગે છે, ભૈયા ઉધ્ધવ ! એવો મારો ભક્ત કેવળ પોતાને જ પવિત્ર નથી કરતો પણ સમગ્ર સંસારને પવિત્ર કરી દે છે. ઉધ્ધવજી ! મારી પરમપાવન લીલાકથાના શ્રવણ-કીર્તનથી જેમ-જેમ ચિત્તનો મેલ ધોવાતો જાય છે તેમ તેમ તેને સુક્ષ્મવસ્તુના અને વાસ્તવિક તત્વના દર્શન થવા લાગે છે. જેમ અંજન આંજવાથી આંખોની તકલીફ દૂર થઈને નાની-નાની વસ્તુઓ પણ સરળતાથી જોઈ શકાય છે.


જે વ્યકિત નિરંતર વિષયો અને ભોગો નો જ વિચાર કર્યા કરે છે એનું ચિત્ત વિષયો અને ભોગોમાં જ ફસાઈ જાય છે. અને જે મારું સ્મરણ કરે છે, એનું ચિત્ત મારામાં જ તલ્લીન થઈ જાય છે. એટલે કહું છું કે બીજા સાધનો અને ફળોનું ચિંતન છોડી દો. અરે ભાઈ ! મારાથી અલગ તો કશું છે જ નહીં, જે બધું દેખાય છે એ તો બધુ સ્વપ્ન અથવા મનનો ખેલ છે. માટે જ મારા ચિંતનથી તમે પોતાનું ચિત્ત શુધ્ધ કરી લો અને એને પૂરેપૂરું એકાગ્રતાથી મારામાં જ લગાડી દો. સંયમી વ્યકિતએ ખરાબ સ્ત્રીઓ અને એમના પ્રેમીઓનો સંગ છોડીને પવિત્ર એકાંત સ્થાનમાં બેસીને બહુ જ સાવધાની થી મારું ચિંતન કરવું. વહાલા ઉધ્ધવ ! સ્ત્રીઓના સંગ (એટલે કે ખરાબ સ્ત્રીઓનો કુસંગ) અને સ્ત્રીસંગીઓ અને લંપટ ના સંગથી વ્યકિતને જે કલેશ અને બંધનમાં પડવું પડે છે, એવા કલેશ અને બંધનો તો કોઈના સંગથી નથી થતાં. બુધ્ધિમાન વ્યકિતએ આ બધાથી બચીને મારામાં જ મન લગાવવું જોઈએ અને ભકિતયોગને પ્રાપ્ત કરવો જોઈએ.

No comments:

Post a Comment