Wednesday, October 12, 2011

કૃષ્ણ નથી રાગી, નથી વિરાગી તે તો અનુરાગી છે


સજ્જનોમાં અકર્મણ્યતા આવી ગઈ છે અને દુર્જનતા કર્મઠ બની ગઈ છે, એક્ટિવ છે. આ સમયે તટસ્થ બનીને ખાલી જોયા કરવું એ ઈશ્ચરનું કામ નથી. બજારની વચ્ચે કોઈ ગુંડો સજ્જનને મારતો હોય; ગુડો પૂરી રીતે પૂરો હોય અને નિર્દોષ નાગરિક પાસે કશું જ ન હોય. કોઈ પણ પ્રકારની શક્તિ ન હોય અને પેલો બળવાન કારણ વિના નિર્દોષને પીડે છે. બળ શા માટે છે? બળ બીજાની રક્ષા માટે છે. બળ ધર્મને આધીન હોવું જોઈએ. મહાભારતની કથાની અંદર આ રહસ્ય છુપાયેલું છે. મહાભારતમાં પાંડવ પાંચ અને કૌરવ સો છે. આ કથા શાશ્ચત શા માટે છે? કારણ એટલું જ છે કે આ કથા દરેક કાળનું સત્ય છે.
આજે પણ આ સત્ય છે. કૌરવો સો છે અને પાંડવો પાંચ જ છે એટલે વીસ ટકા કૌરવો વધારે છે. પાંચ પાંડવ એટલે શું? આ યુદ્ધ કૃષ્ણ શા માટે કરાવે છે? યુધિષ્ઠિરને રાજા બનાવવા માટે? યુધિષ્ઠિર તેમની ફઈબાના દીકરા છે એટલા માટે? આની અંદર મામા - ફઈનો સંબંધ કામ નથી કરતો. કૃષ્ણ અવતાર છે, ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયં. અને તેઓ યુધિષ્ઠિરનું શાસન સ્થપાય એવું શા માટે ઇચ્છે છે? અહીં કોઈ સગાંવાદ નથી. યુધિષ્ઠિર એટલે ધર્મ, ભીમ એટલે બળ, અર્જુન એટલે આત્મા, નકુલ એટલે રૂપ અને સહદેવ એટલે જ્ઞાન. મતલબ એવો થાય કે ભગવાન ધર્મનું શાસન ઇચ્છે છે.
એ જ અવતારકાર્ય છે. ધર્મરૂપ યુધિષ્ઠિરને અનીતિથી, અન્યાયથી, કપટ કરીને એના અધિકારથી રાજ્યસત્તાથી હટાવીને તેમને વનવાસ આપવામાં આવ્યો ત્યારે કૃષ્ણ તટસ્થ રહી શકે? કૃષ્ણ એક્ટિવ બને છે, અવતાર લે છે. અવતારનો સીધો અર્થ છે નિષ્પક્ષ નહીં રહેતાં પક્ષધર થઈ જવું. ભગવાન અવતાર લઈને કૂદી પડ્યા છે. ધર્મનું સંસ્થાપન કરવાનું છે. પેલો સબળ માણસ નિર્દોષ માણસને કારણ વગર પીટતો હોય, હેરાન કરતો હોય ત્યારે તમાશો જોવા માટે આપણે બધા ઊભા હોઈએ અને પેલો દુર્બળ માણસ વારંવાર બૂમો પાડી પાડીને કહે છે કે મને બચાવો, ભાઈ મને બચાવો. નિર્દોષ પર પેલો સબળ જોર કરે છે અને આપણે ચૂપચાપ છીએ, આપણે તટસ્થ બનીને ઊભા છીએ? કેમ? અમે તો નિષ્પક્ષ, અમે તો દ્રષ્ટા! જે થઈ રહ્યું છે તે જોયા કરીએ.
આ આપણા સમાજનું જ એક રૂપ છે. આપણા બધાની સામે પેલો ગુંડો નિર્દોષ માણસને મારી નાખે તો એ માણસનું ખૂન પેલા ગુંડાએ જ નથી કર્યું પણ તેના ખૂનમાં ભાગીદાર તટસ્થ રહીને ઊભો રહેલો સમાજ તથાકથિત સમાજ પણ છે. તટસ્થ બનીને આપણે ખાલી જોતા રહ્યા અને પેલાને મદદ ન કરીને એના ખૂનમાં આપણે જવાબદાર બન્યા છીએ. કૃષ્ણ તટસ્થ નથી. કૃષ્ણ પક્ષધર છે. કૃષ્ણમાં વીતરાગતા નથી. મહાવીરમાં વીતરાગ છે. કૃષ્ણમાં રાગ પણ નથી અને વીતરાગ પણ નથી. રાગી નથી, વિરાગી પણ નથી. એ અનુરાગી છે. કૃષ્ણ પરમ અનુરાગી છે.

No comments:

Post a Comment